મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલની છેલ્લી સિઝન ખૂબ જ નિરાશાજનક રહી હતી અને ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને ફેંકાઈ ગઈ હતી. ત્યારથી કેપ્ટનશીપ અને ડ્રેસિંગરૂમમાં ખેલાડીઓ વચ્ચે અસંતોષ હોવાના અહેવાલો સામે આવ્યા છે. છેલ્લી 3 સિઝનથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલી આ ફ્રેન્ચાઈઝી હવે પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત 5 મોટા આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. IPL ના નિયમો અનુસાર 15 નવેમ્બર પહેલા તમામ 10 ટીમોએ પોતાના રિલીઝ અને રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવાનું છે, ત્યારે મુંબઈની ટીમમાંથી આ મોટા નામોની છુટ્ટી થવાની પૂરી સંભાવના છે.
સતત ખરાબ પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સ મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026 માં પોતાની 14 મેચોમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી હતી અને પોઈન્ટ ટેબલમાં ટીમ 9 માં સ્થાને રહી હતી. અગાઉ IPL 2024 માં ફ્રેન્ચાઈઝીએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી હતી, હાલમાં એવા અહેવાલો પણ ચર્ચામાં છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવામાં રસ દાખવી રહી છે અને જો તે અન્ય ટીમમાં જોડાશે તો ત્યાં પણ કેપ્ટન તરીકે જ જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સ આ 5 ખેલાડીઓને કરી શકે છે ટ્રેડ
હાર્દિક પંડ્યા: મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા ફર્યા પછી હાર્દિકે છેલ્લા 3 વર્ષમાં એક પણ અડધી સદી બનાવી નથી. કેપ્ટન તરીકે તેના સરેરાશ પ્રદર્શનની સાથે સાથે તેનું બોલિંગ અને બેટિંગ ફોર્મ પણ નિરાશાજનક રહ્યું છે. જો ટ્રેડ ડીલ હેઠળ તે બીજી ટીમમાં નહીં જાય, તો ફ્રેન્ચાઈઝી તેને હરાજી પહેલા સીધો રિલીઝ કરી શકે છે.
શર્ફેન રધરફોર્ડ: વેસ્ટ ઈન્ડિઝના આ વિસ્ફોટક બેટ્સમેનને ટિમ ડેવિડની જગ્યાએ મેચ ફિનિશર તરીકે ટીમમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ રધરફોર્ડ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં સાવ નિષ્ફળ રહ્યો, જેથી તેને પણ રિલીઝ કરવામાં આવી શકે છે.
ટ્રેન્ટ બોલ્ટ: ન્યૂઝીલેન્ડનો આ દિગ્ગજ ફાસ્ટ બોલર IPL 2026 માં ખરાબ રીતે ફ્લોપ રહ્યો. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્ત થઈ ચૂક્યો છે. ઉંમરની અસર તેના પ્રદર્શન પર દેખાઈ રહી હોવાથી મુંબઈ ટ્રેડ ડીલ હેઠળ તે બીજી ટીમમાં મૂકી શકે છે.
ક્વિન્ટન ડી કોક: દક્ષિણ આફ્રિકાના આ વિકેટકીપર-બેટ્સમેનને IPL 2026 માં રમવાની ખાસ તકો મળી ન હતી. મુંબઈ પાસે પહેલાથી જ સારા ઓપનરોની ફોજ છે, તેથી ટીમ મિડલ ઓર્ડરમાં કોઈ નવા વિસ્ફોટક બેટ્સમેનને લાવવા માટે ડી કોકને રિલીઝ કરી શકે છે.
કેશવ મહારાજ: સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજને મુંબઈએ રિપ્લેસમેન્ટ તરીકે સાઈન કર્યો હતો, પરંતુ તેણે 2026 ની સિઝનમાં એક પણ મેચ રમી ન હતી. ટીમમાં તેનું કોઈ યોગ્ય સ્થાન ન બનતું હોવાથી તેને પણ હરાજી પહેલા રિલીઝ કરવામાં આવી શકે છે.